Friday, October 30, 2015

જીવનના અનુભવ : અગમચેતી

જીવનના અનુભવ : અગમચેતી

રસ્તા પર કે જીવનના પ્રવાહમાં એક ખાડો દેખાય અને આપણે આપણું ટોટલ ધ્યાન હવે એકત્રીત કરી અગમચેતીરૂપે સાવધાન થઈ જઈશું અને આપણી ગતિને ધીમી કે સાવચેતી ભરી કરી નાખીશું...આ એક કળા કહો કે માણસની બુદ્ધિમતા કહો, માણસ આ અગમચેતી ના પગલા ભરવાની શરૂઆત કરી દેશે.....

આપણા જીવનમાં બેદરકારી નહિ કરવાની ... પણ આપણે આ અગમચેતીને આપણા જીવન કે વહેવારમાં કેવી રીતે લઈએ છીએ તે વિવેક કેળવવો પડે ...
જેમકે....
કોઈ એક સમાચાર મળે કે આ સ્થળ કે આ જગ્યાએ કુદરતી આફત આવી છે....એટલે આપણે પણ આપણામાં અગમચેતી સમજીને વર્તન કરીશું ....
કોઈ ક્રિયા કે પ્રક્રિયા કરતા હાની કે નુકશાન થાય છે, તો આપણે પણ અગમચેતી સ્વરૂપે પગલા ભરીશું...
કોઈ જીવ કોઈ બીમારીથી પીડાતો હોય અને આ બીમારી આપણી અંદરના આવે તે માટે આપણે થોડા ફેરફાર કરીશું ....
કોઈ માણસ ની વાણી વર્તન કે વહેવાર બરાબર આપણી મરજી મુજબ નહિ હોય તો આપણે આ અગમચેતી મુજબ સમજીને સામે વાણી વર્તન કે વહેવાર કરીશું.....
આ તો થઈ એક સામાન્ય વાત કે જે માણસ જાતે જ શીખી જાય છે  અને પોતાની સમજ અને બુદ્ધિમતા અનુસાર રોજબરોજના ઘટનાક્રમ માં થી પસાર થાય છે.....

અગમચેતીની જો વ્યાખ્યા કરવામાં આવે તો બીજી ક્ષણએ શું થશે તે આપણી સમજશક્તિથી સમજીને કે અનુભવેલા અનુભવથી કરવામાં આવતી સાવધાની ......

બીજા જીવ કે માણસ ના અંદર થતી દખલગીરીને આપણે આપણા મુજબ લઈએ એટલે આપણને ખબર હોય કે ના હોય છતા આપણે ના કરવાના કામ કે પ્રયોગો કરીએ અને આપણા સહજ કર્મ કે સહજ જીવન પ્રત્યે સભાનતા ગુમાવી નાખીએ પછી આ અગમચેતી નામના શબ્દ કે અનુભૂતિની જરૂર પડે અને પછી આપણે આપણા જીવ પ્રત્યે સાવધાન થઈએ ...પણ જો સામે આવતા દરેકને એટલે કે વાણી,વર્તન,વહેવાર કે સહજતાથી અનુભવેલા કે વિવેકપુણ થી જો કરીએ તો આ અગમચેતી જેવું કઈ લાગતું જ નથી......

રામ રાખે તેને કોણ મારે આ વાક્યની મહતા આપણે ખાલી બસ ઉક્તિ સ્વરૂપે જ લઈએ છીએ ...પણ જો દરેક પ્રત્યે પ્રેમ આદર અને વિવેક જાગે તો આ અગમચેતી શેના માટેની.....આ આપણી બુદ્ધિમાં નહિ જ ઉતરે

આગ,પાણી, અને હવા આ માણસના જીવનના મહત્વના અંગ છે આપણે કોઈ દિવસ આગમાં જાણતા કોઇપણ અંગ નહિ નાખીએ તો કોઈ અગમચેતી કરવાની જરૂર ખરી...
પાણીની મર્યાદા આપણા જીવને અનુરૂપ હશે તેમ લઈશું તો...
હવાને એટલે કે શ્વાસમાં પણ ધ્યાન રાખીશું આમાં કોઈ અગમચેતી જેવું નહિ લાગે કે આગ,હવા,પાણી આ તત્વ જેમ પોતાની સહજતાથી વર્તે છે તેમ આપણે આપણા જીવને કેળવતા શીખીશું એટલે કોઈ પ્રકારની નેગેટીવ ભાવના અગમચેતી નહિ કરાવે અને સામે આવતી ક્ષણમાં ટોટલ હાજરીમાં હોઈશું તો આ સહજ જ લાગશે...

અને એક દિવસ તો બધા એ ઉપર જવાનું જ છે એ વાત ને બસ સહારો જ બનાવીને ઉપયોગ કરીશું....તો ડગલેને પગલે આ અગમચેતી જીવનમાં નડતરરૂપ બનશે...જીવનમાં આવતી ક્ષણ  વિશે કોઈ જાણી શકયું નથી તો આપણે આ અગમચેતીને દુર જ રાખીએ, હા પણ વિવેક થી નહિ કે બુદ્ધિથી ...કેમકે બુધ્ધી અને વિવેકમાં કોષો અંતર છે...

કુદરત કે તત્વ કે ભગવાન ને જોઈશું તો તે ક્ષણમાં એટલે કે વર્તમાનમાં ટોટલ હાજરી સાથે જ છે અને રહેશે આ નિયમ ને આપણે જાણી લેવો જોઈએ એટલે આપણા જીવની ઉદ્ધવ ગતિ ની શરૂઆત થાય અને તત્વ મદદરૂપ લાગે....

જે સમજમાં ના આવતું હોય તેને સમજવાની કોઈ જરૂર નથી ...ટુકમાં બસ આવતી ક્ષણમાં જીવન  જીવવાનું છે ......જય ભગવાન.


Thursday, October 29, 2015

જીવનના અનુભવ : અધીરાઈ

જીવનના અનુભવ : અધીરાઈ

અમદાવાદમાં આવેલ એલિસબ્રિજ થી આસ્ટોડિયા સુધી નો જે રસ્તો છે,જેમાં બી આરટી એસ ના માગ પર પણ બધા અવરજવર કરે છે અને ખુલ્લા રસ્તાને લીધે લોકો એ બાજુ વળે છે...પણ ટ્રાફિક પુષ્કળ હોય ત્યારે લોકો ભાન ભૂલીને વાહનો હંકારી મુકતા હોય છે અને પછી જયા ટ્રાફિક નજીકમાં ન લાગતો હોય ત્યાં જવા દેશે...પણ મે જોયું કે આપણે જે ર્સ્સ્તે જતા હોઈએ તે ર્સ્સ્તો જ પકડી રાખવાનો એવું જો લક્ષ્ય બનાવીએ તો આગળ ટ્રાફિક ઓટોમેટિક ખુલે છે અને જે લોકો આ બી આર ટી એસ ના ર્સ્સ્તે જતા હોય તેમેણે ટ્રાફિક સહન કરવો પડે છે....અને આગળ વધાતું જ નથી અને એક સમય એવો આવે કે આપણે નક્કી કરેલા રસ્તા પરની અધીરાઈ આપણને આપણા લક્ષ્યાંક સુધી પહોચવામાં અડચણરૂપ બને ..... આ તો ફક્ત ઉદાહરણરૂપે અહી પ્રસંગનું વર્ણન કર્યું ...

જયારે જયારે આપણે આપણા નક્કી કરેલા રસ્તાને ચુકી જઈએ એટલે આપણે પસ્તાવો કરવો પડે અને આ પાછી એકની એક જ ભૂલ વારવાર કરીએ અને અગાઉ અનુભવેલા અનુભવને પણ આપણે અનદેખી કરી નાખીએ પણ જો લક્ષ્યને ધ્યાનમાં રાખીને સંયમ અને સમજદારી પૂર્વક કે અધીરાઈ વગર જો આગળ વધીએ તો કુદરત કે તત્વ મદદરૂપ થતું જ હોય છે પણ આપણને આ દેખાતું નથી અને આપણને એમ જ લાગે છે કે આ મે કર્યું અને મારી બુધ્ધીથી આ થયું ....

અધીરાઈ આપણને જાણે વારસાગત ના મળી હોય તેમ વર્તન કરીએ છીએ અને પછી આપણી મરજી મુજબ ના થાય એટલે બરાપો બીજા પર ઢાલવીએ છીએ અને આપણે આપણો સત્યનો માર્ગ ભૂલી જઈએ છીએ..આ વાત જે લોકો જાગ્રતિને ર્સ્સ્તે છે તે લોકોને જ દેખાય છે બાકી આપણી આંખ આ જોઈ જ નથી શકતી...આ અધીરાઈ જ આપણા અંદર ની બધી જ ઉર્જા ખાઈ જાય છે અને આપણે જોઈશું તો જો અધીરાઈ ની ક્ષણને જો કેળવતા આવડી જાયતો સ્વર્ગ અને આનદ કે મોજ જ લાગે છે....

કુદરત કે તત્વ કે ભગવાન કયારે અધીરાઈ નહિ જ કરે....અને નિયમબધ્ધ જ હશે...
આપણે આપણા ગુરુ આગળ પણ આ શીખ મેળવી જ હોય છે અને તે પણ આપણને આ જ સમજાવે છે કે અધીરાઈ નામના ગુણ ની મહતા આપણે આપણા અનુભવેલા અનુભવથી જો આવડી જાય તો દરેક ક્ષણએ કોઈ સત્તા આપણું ધ્યાન અને સંભાળ લેતું હોય તેવું લાગશે અને હર ધડી તેની પ્રતીતિ થશે....


આપણા બધા વહેવારમાં આ અધીરાઈની સહનશક્તિ આપણી અંદર વધે...તો આપણને ખબર પડે છે અને આપણા આજુબાજુ કે વર્તુળમાં આની અસર દેખાય છે,અને દરેક સ્થિતિ કે પરીસ્થિતિ આપણા અનુરૂપ જ લાગે છે....અને આ અધીરાઈ ધીરેધીરે ખતમ થતી દેખાય છે અને સહનશીલતામાં આનું પરીવતન થતું દેખાય છે...અને એક સમય કે ક્ષણ એવી આવે કે આ સહનશીલતા આપણો સ્વભાવ બની જાય અને દરેક પ્રત્યે બસ પ્રેમ જ દેખાય  અને દરેક આપણને મદદરૂપ થતા હોય તેમ જ લાગે ...આ અનુભવ કરવા જેવો છે....જય ભગવાન.

Tuesday, October 27, 2015

જીવનના અનુભવ : સંઘર્ષ

જીવનના અનુભવ : સંઘર્ષ

રોજ સવાર પડે અને આપણને આપણા કર્મ કે કાર્ય માં સંઘર્ષ દેખાય પણ આ સંઘર્ષ ની વ્યાખ્યા આપણી જાત ને પડતો શારીરિક કે માનસિક શ્રમ કે પરિશ્રમ ને કહેતા હોઈએ છીએ પણ સંઘર્ષ ની વ્યાખ્યા અસલમાં છે જ નહિ કોઇપણ કાર્ય કે કર્મ ને સહજતાથી પુરેપુરા પ્રયત્નથી આશા કે અપેક્ષાઓ રહિત કરવામાં આવે તો કોઈ સંઘર્ષ જેવું લાગે જ નહિ.....

સંઘર્ષ આપણી નજરમાં ..
એક શ્રમજીવી પોતાના કાર્ય કે કર્મ ને સો ટકા પ્રાધાન્ય આપે અને પુરેપુરી લગન કે મહેનત સાથે કરે એટલે આપણી દ્રષ્ટિમાં તે સંઘર્ષમાંથી પસાર થાય છે તેવું લાગે....
ધન રૂપી વેતન મેળવવા માટે જે કાય કે કર્મ ને આપણે સંઘર્ષ કહીએ....
કોઈ વિકટ પરીસ્થિતિમાંથી બહાર નીકળવાને આપણે સંઘર્ષ જરૂરથી કહીશું .....
આપણી માનસિક કે શારીરિક સ્થિત મુજબ ના હોય અને કરવું પડતું કર્મ ને આપણે સંઘર્ષમાં ખપાવીશું...
આપણા સંબંધો અને સંબંધી ની નજરમાં આપણા કહેવાતા અહમને સંતોષવા આપણે કરેલી અણગમતી પરીસ્થિતિ પસાર કરી હશે તેને આપણે આ સંઘર્ષનું લેબલ ચિપકાવી દઈશું......
ખરેખર સંઘર્ષ જેવું આ દુનિયામાં છે જ નહિ પણ આપણે આપણી કહેવાતી પુરતી ના થાય એટલે તેને સંઘર્ષ જ કહીશું ...

રોજ સવારે એક ઉત્સાહ કે ઉમગ થી સૂર્ય ઉગે છે તે કદી સંઘર્ષ કરીને નથી ઉગતો.....
રોજ સવારે પશુ પક્ષી કે અન્ય જીવ પોત પોતાના રોજીંદા કાર્ય કે ક્રમ કરે તો કદી સંઘર્ષ નથી કરતો...
રોજ રોજ ફૂલ કે વ્રુક્ષ કે ઝાડ પાન સંઘર્ષ કરીને નથી વધતા ....કે ખીલતા....
કુદરતના તમામ ને જે ધ્યાનમાં રાખવામાં આવે તો કોઈ સંઘર્ષ કરતુ જ નથી બધું જ સહજ થાય છે અને થતું રહે છે કોઈની બુદ્ધિમતામાં આ બેસતું જ નથી....કેમકે ભગવાનને આપણને એક જીવ ની સહજ ગતિ કરવાની કીધી છે અને આપણે આ સહજ ને એટલું બધું અઘરું બનાવી મુકયું છે કે રોજબરોજના પ્રશંગ કે ઘટનાઓને આપણે આપણા નજીકના વર્તુળમાં સંઘર્ષ કરીને કર્યું તેવું બતાવીએ છીએ....

ગુરુ કે તત્વ કે ભગવાનને જોઈશું તો તે આ શબ્દ ને અડશે જ નહિ કેમકે સંઘર્ષ તેને કરવો પડે જેને કોઈ સિધ્ધીઓ કે વાહવાહ મેળવવી હોય,સાધુ સંત કે જે લોકો આત્મજ્ઞાન ને ઓરખવાના રસ્તે છે તેઓં ને કદી કોઈ સંઘર્ષ નડતો નથી કે લાગતો નથી કેમકે તેને સંતોષરૂપી ધન મળી ચૂકયું છે અને તે આ સંઘર્ષ જેવા નામ થી કોષો દુર હોય છે ...માતા પોતાના બાળકને જન્મ આપવા કદી સંઘર્ષ નથી કરતી તે સહજ અવસ્થા છે તેમ આ દેહને દરેક સ્થિતિ કે પરીસ્થિતિમાં રાખવાવાળો કદી કોઈને સંઘર્ષ કરાવતો જ નથી પણ આપણે આપણા સંસ્કારો કે આપણી જીવનશૈલી ની પ્રણાલી ને લીધે આ સંઘર્ષ શબ્દની માયાજાળમાં ફસાઈ જઈએ છીએ ....
રામ (કુદરત કે તત્વ કે ભગવાન) રાખે તેમ રહીએ તો દરેક સ્થિતિ કે પરીસ્થિતિ આપણા જીવને અનુકુળ લાગે છે અને તે દરેક રીતે આપણને મદદરૂપ પણ થાય છે એ આપણે અનુભવવા જેવું છે.....જય ભગવાન.





Monday, October 26, 2015

જીવનના અનુભવ : શરદપૂર્ણિમા

જીવનના અનુભવ : શરદપૂર્ણિમા

હમણાં નવરાત્રી ચાલુ હતી ત્યારે એક ગરબા ના શબ્દો ની સુંદરતા માણી હતી કે આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો, કહી દો સુરજને કે ઊગે નહિ ઠાલો ….

આજ નો દિવસ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગમાં ૧૨ માસની ૧૨ પૂનમ હોય છે જેમાં શરદપૂર્ણિમા સર્વાધિક મહત્વપૂર્ણ છે. તેને રાસપૂર્ણિમા પણ કહે છે. ચોમાસા ની પુર્ણાહુતી અને શિયાળા ની આગમન ની ઘટના એટલે શરદઋતુ ની શરૂઆત...શરીરથી જયારે નાના હતા ત્યારે દૂધ પૌઆ  અચૂક ખાતા અને મને યાદ છે મારા મહાલક્ષ્મી બા જે ૧૦૧ વર્ષ ની આયુ ના હતા તે સમજાવતા કે આજની રાત એટલે ચંદ્રમાં સોળે કળા એ ખીલે અને તેમાંથી નીકળતા કિરણો આપણા તન મન અને આત્મા ને એક અલગ નીખર આપે...તેઓં ની આ વાત દર વર્ષએ એક વાર તો યાદ આવી જ જાય ...

ચારે તરફથી ગોળ ચંદ્રમાઁનું સૌદર્ય જોવા જેવું હોય છે. એમાંથી એટલો પ્રકાશ ફૂટે છે કે પૃથ્વી આ પ્રકાશમાં નહાતી હોય એવું લાગે છે. અમારી ચારે બાજુ અજવાળુ જ અજવાળુ લાગે છે. આ અજવાળામાં દૂર દૂર સુધીની મોટાભાગની વસ્તુઓ દેખાય છે......આ તો થઈ બાહ્ય જગત ની વાત પણ આતરિક જગત માં મારા ગુરુ પણ કહેતા કે આ પૂર્ણિમા એટલે મન અને તનમાં એક અદભુત અનુભૂતિ અનુભવવા ની ક્ષણ કેમકે પુનમ તો ઘણી બધી આવે પણ જે શરદ પૂનમ નું મહત્વ આધ્યાત્મિક જગતમાં પણ ખુબ છે. કેમકે કૃષ્ણ રૂપી ચેતન્ય ની રાસ લીલા નું છે...અને આ રાસ લીલા આપણા અંતર આત્મા ને નીરખવાની છે...

આપણા બઘા ના જીવનમાં મારું મારું એટલે કે અહંકાર ને પોસવાનું નામ એટલે તેને આપણે જીવન કહીએ છીએ પણ જીવ અને જીવનની ઓરખાણને, જે લોકો એ લક્ષ્ય બનાવિયું છે તે લોકો આ કૃષ્ણ રૂપી ચેતન્ય ની રાસ લીલા નું મહત્વ સમજે છે, ક્રૃષ્ણરૂપી તત્વ ને સમજવું અધરું છે પણ તે જે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ નો ઉત્સવ છે તે આપણને આ તત્વ ની રાસલીલાનું ઘેરું રહસ્ય સમજાવે છે...બે પાંચ નહિ પૂરી સોળે કળા એ ખીલે છે આપણું આ તન મન અને ચિત એટલે ચોતરફ પ્રકાશ જ પ્રકાશ એટલે કે આપણું મૂળ સ્વરૂપ દેખાય છે અને એમાં કુદરત કે તત્વ કે ભગવાન ની હાજરી દેખાય છે જે કૃષ્ણ રૂપી ચેતન્ય છે જે આ જીવ ને હિલોરે ચઢાવવવા રાસ રમાડે છે અને તેની આ લીલા ના દર્શન કરાવે છે....

કુદરત કે ભગવાન કે તત્વ ને આપણે જોઈશું તો તે હંમેશાં આપણને દિવ્યપ્રકાશ મય જ લાગશે...કેમકે તે આપણું જ પ્રતિબીંબ છે પણ આપણે તેને ઓરખતા જ નથી એટલે આ અનુભૂતિમાં આવતું જ નથી પણ જે મન કે જેને ચન્દ્ર જોડે સરખાવવા માં આવ્યું છે એટલે આ મન ને જો શાંત ચિતે રાખવામાં આવે તો આ કુદરતી સોન્દય ગણો કે તેની લીલા ગણો ઓટોમેટિક એની મેળે પ્રગટ થાય અને દર્શન કરાવે પણ જે લોકો ને આ જોતા આવડે તેના માટે આ અદભુત લાગે, બાકી શું રાત ને શું દિવસ વાળા જે લોકો છે તેમને માટે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ એક સામાન્ય દિવસ બની ને વીતી જાય છે ...અને પોતાના જગતમાં કે આ સંસારિક આંટીધૂટીમાં ચાલતી મુશ્કેલી કે સમસ્યાના સમાધાનમાંથી બહાર જ નથી નીકળી શકતા....અને આ દિવસ કે ક્ષણનું મહાત્મ્ય ચૂકી જાય છે.....


જીવ ની આ શક્તિ સાથેની ભેટ એટલે આ શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ...જય ભગવાન.

Saturday, October 24, 2015

જીવનના અનુભવ : નિરર્થક કે વ્યર્થ

જીવનના અનુભવ : નિરર્થક કે વ્યર્થ

જીવનમાં આપણા કહેવાતા સંબંધો કે કાર્યો કરતા હતા ત્યારે એક જીવનની દોડ કે રેસ લગાવી ના હોય તેમ દોડતા હતા,અને એ વખતે એવું લાગે કે મારા જેવો કોઈ સમર્થ કે હોશિયાર નથી,પણ જયારે થાકીને કે સમજીને કે બેઠા અને જીવનની આ ગતિ ને શાંત ચિતે એકાગ્રતાપૂર્વક કે સાચામાપદંડ થી જોઈ ત્યારે એક સમજણ કે વિવેક દેખાયો કે આટલા વરસો એક નિરર્થક કે વ્યર્થ કે આધળી દોડ પાછળ દોડિયા અને જીવ ની ગતિ કે જીવનનું સાચું મુલ્ય ના આંકી શક્યા અને જીવનનું અત્યાર સુધી નું સરવૈયું જોયું તો આ દોડ કે રેસ નો કોઈ અર્થ જ ના મળ્યો ...

સમજણ ત્યારે જ ખુલે જયારે જીવનમાં એક શાંતિ નો અનુભવ થાય.....
વિવેક ત્યારે જ ખુલે જયારે આપણી બુદ્ધિમતા શાંત થાય .....
ધ્યાન ત્યારે જ લાગે જયારે એકાગ્રતા વાળું મન અને ચિત દેખાય....
શૂન્યતા ની ઝલક પણ ત્યારે જ મળે જયારે આ સમજણ,વિવેક,અને ધ્યાન નો સંગમ થાય અને દિવ્યતા ના અનુભવની શરૂઆત થાય ......

જયારે જયારે આપણા કામધંધા કે રોજબરોજની પ્રવુતિમાંથી સમય મળે આપણા ચિતને આપણી અંદર પરોવી દેવું એટલે કે કબીરજી જેવું કરવું,એ પોતે વણાટકામ કરતા પણ જયારે જયારે મન બહાર ભટકે એટલે તે અંદર ઉતરી જતા અને સાચા અર્થમાં શાંતિ કે મોજ નો અનુભવ કરતા આપણે પણ આ કરીએ તો આપણી અંદર કામ,ક્રોધ,મોહ,મત્સ્ય કે અન્ય વિકારો ઉદભવતા જ નથી અને આપણી આંતરિક ઉર્જા કે શક્તિ માં એક ગુણાકાર થી વધારો થતો જોવા મળે છે અને એ આપણા હાવભાવ કે આપણા વર્તુળમાં આ પ્રગટ થાય છે અને એક આભામંડળ થી સકારાત્મકતા ઉદભવે છે જે સાચા અર્થમાં આ જગતમાં શાંતિ અને સમૃદ્ધિ નો પ્રસાર કરે છે....

જયારે જયારે એવું લાગે કે જિંદગી પરીક્ષા કરે છે ત્યારે આપણને જીવન નિરર્થક કે વ્યર્થ લાગે છે પણ  ,ત્યારે આપણે આ પરીક્ષામાં આપણો પ્રયત્ન સો ટકા કરવો જોઈએ અને આશા કે અપેક્ષાઓ રહિત હોવો જોઈએ કેમકે જે લોકો જીવનને પરીક્ષા ના અર્થમાં લે છે તેનો દ્રષ્ટીકોણ પરીક્ષા લક્ષી બનીને સીમિત થઈ જાય છે પણ તેને સામાન્ય કે હળવાશથી લઈએ તો આપણે પુરેપુરી સક્ષમતાથી તે આનદદાયક બનીને સામે આવે છે...

નિરર્થક કે વ્યર્થ ની વાતો પણ આપણને નકારાત્મક વલણ અપનાવવા પ્રેરે છે માટે નિરર્થક કે વ્યર્થ વાતોને જાકારો આપી દઈએ તો તે આપણી આજુબાજુ ફરતી પણ નથી અને આપણા આંતિરક વિકાસમાં સહભાગી બને છે...

કુદરત કે ગુરુ કે તત્વ ને જોઈશું તો તે કદી નિરર્થક કે વ્યર્થ ની ચર્ચા કે વાતો કે અન્યમાં નહિ પડે, અને જવાબ પણ નહિ આપે અથવા ટુકાણમાં આપી દેશે અથવા મોન ધારણ કરી દેશે....આપણે આ નિયમ મુજબ એક વાર ચાલી જોઈએ તો સો પ્રથમ આપણને પોતાને એક ભાસ થશે કે નકામું કે નિરર્થક કે વ્યર્થ એ જ આપણા જીવનની ગતિ અટકાવી રાખી છે,બાકી કુદરત કે તત્વ હર ક્ષણ મદદરૂપ થવા તેયાર જ હોય છે...જય ભગવાન.



Friday, October 23, 2015

જીવનના અનુભવ : તાલ કે લય

જીવનના અનુભવ : તાલ કે લય

ગઈકાલે ગરબે રમતા ખેલૈયાઓની રંગત જોઈ અને ગરબે ઘૂમતા અને તાલ કે લય બધ્ધ રીતે રમતા લોકો ને જોયા અને એક આનદ આવીયો,સ્ટેજ પરથી જે રીધમ કે ધૂન ગાય અને તે લય બધ્ધ કે તાલ બધ્ધ રીતે તેનું ગરબાના સ્ટેપમાં રૂપાંતર કરવું અને એ પણ એક ઉમગ અને ઉત્સાહની લાગણીમાં.... કેવી મઝા આવે, એ તો જે લોકો આ તાલ પ્રમાણે ગાતા હોય કે રમતા હોય તેને જ ખબર પડે....

જીવન પણ આવું જ છે જે લોકો આ તાલ કે લયબધ્ધતા થી ચાલે છે તે લોકો આ જીવનની સાચી મઝા માણી શકે છે બાકી આ ભવ નો ફેરો ફોગટ જાય છે ....

તાલ કે લય ની વ્યાખ્યા દરેકની અલગ અલગ હોય છે..
કોઈ પોતાનાથી થતા રીધમ કે ધૂન મુજબ રમે છે કે જીવે છે ....તો
કોઈ બીજાના અનુકરણમાં મશગુલ થઈને રમે છે કે જીવે છે......તો
કોઈ બસ ડાફોળીયા કે આજુબાજુ ની ચહેલપહેલમાં રચીયો પચીયો રહે છે...તો
કોઈ તાલ કે લયબદ્ધતા ઢોંગ સ્વરૂપે કરે છે અને કહેવાતું રમે છે કે જીવે છે...
જીવન તો આપણા સ્વભાવ કે સંસ્કાર પ્રમાણે વર્તે છે તે પ્રમાણે જ માનીએ છીએ કે આ લયમાં છે...

પણ જે લોકો ને સાચી ધૂન પકડાઈ ગઈ છે તે બીજા કોઈની પરવા કરિયા વગર બિન્દાસ્ત રીતે જીવન સંગીત ની ધૂન કે રીધમ અનુસાર સ્ટેપ બાય સ્ટેપ રમે છે કે જીવે છે અને બીજાના અનુકરણ વગર પોતાના આંતરિક ભાવપૂર્વક અને અનુભવપૂર્વક સાચી ખેલદિલીથી આ જીવનરૂપી સંગીત નો તાલ કે લય માણે છે અને બીજી ક્ષણે આવતા ફેરફારોને આધીન સંયમ અને સમાનતા કે હષોલાસ સાથે દરેક સ્ટેપની મઝા માણતા માણતા જીવનની સાચી પળો વિતાવે છે અને અંદર આવતા આનદ ની અનુભૂતિ કરે છે....

સાચી રીતે જોઈશું તો આખો સંસાર એક તાલ કે લયબદ્ધતા મુજબ જ ચાલી રહ્યો છે અને દરેક જીવ તેની સાચી ખેલદિલીની ભાવનાથી રમે કે જીવે તો કુદરત કે ભગવાન એ મુજબ જ સંગીત ની ધૂન રેલાવે છે અને રમાડે છે કે જીવાડે છે

સૂર્ય ચંદ્ર કે તારા પવન કે ફળ ફૂલ વ્રુક્ષ કે પશુ પંખી આ વાતાવરણ રૂપી સંગીતની ધુનની તાલ કે લય મુજબ જ ચાલે છે અને ફળેફૂલે છે અને ઉધ્વ્વ ગતિથી આગળ વધે છે,માણસ જો આ જીવનમાં સાચા અર્થમાં આ લય કે તાલ ને સમજી લે તો હર ક્ષણ એ કુદરત કે તત્વ કે ગુરુ સાથે જ છે તેવો આભાસ કે અનુભૂતિ અનુભવશે,ધ્યાન થી જો જોઈશું તો દરેક સ્થિતિ કે પરીસ્થિતિ આપણા હકારાત્મક વલણ ને જ અધીન છે બાકી આ દુનિયામાં કેટલાય આવીયા અને ગયા તત્વ તો એક જ સ્વરૂપ કે લયબદ્ધતાથી ચાલે છે અને ચાલતું રહશે આપણે તેની પરખ શક્તિ કે અનુભવ શક્તિ ને સાચી ઓરખ આપવાની છે અને આ જીવ ની ઓરખ મેળવવાની છે ....જય ભગવાન.

Tuesday, October 20, 2015

જીવનના અનુભવ : ધીરજ

જીવનના અનુભવ : ધીરજ

આપણે બધા એ આ દ્રશ્ય જોયું જ હશે જ કે એક ખેડૂત ખેતરમાં બીજ વાવી આવે અને પછી તરત જ જોવા જાય કે ઊગ્યું કે નહિ તો એને નિરાશા જ મળે છે પણ જે જમીનમાં જે બીજ નાખ્યું છે તે બહાર નીકળેલું નથી દેખાયું તોપણ તે નકામું નથી ગયું. એની સૂક્ષ્મ પ્રતિક્રિયા ભૂગર્ભમાં કે આંતરિક અદ્રશ્ય રીતે ચાલ્યા જ કરે છે, એ સંબંધી એને વિશે કશી શંકાકુશંકા ન હોવી જોઈએ કે ન કરવી જોઈએ ,એને બદલે કશું જ નથી થતું એવી નિરાશાત્મક વૃત્તિ કેળવીને વિચારો ના વમળમાં ફસાઈને એ બીજને એ જમીનમાંથી ખોદી કાઢે તો  એના હાથમાં કશું જ ન આવે. બીજ પોતાનું કાર્ય કરીને અંકુરમાં પરિણામે એને માટે ખેડૂતે જરૂરી ધીરજ રાખવી જ જોઈએ......

જિંદગીનો ક્રમ એવો છે કે એમાં ચડાવ-ઉતાર તો આવ્યા જ કરવાના. સફળતા મળે ત્યારે નમ્રતા દાખવીએ અને નિષ્ફળ જઈએ ત્યારે ધીરજપૂર્વક એમાંથી બહાર આવવાના સભાન પ્રયત્નો કરીએ એમા જ આપણા મહામુલા જીવનની સાર્થકતા સમાયેલી છે. ધીરજવંત બુદ્ધિવાળો ત્યારે જ જણાય કે જ્યારે તે સર્વ લોકોના સ્વભાવ અને રીતભાતને સમજી જાય. તે બીજાના અવગુણ પોતાનામાં પેંસવા ન દે અને તે કદી પણ ક્રોધ કરી પોતાનું મન બગાડે નહીં. જોવા જઈશું તો આપણી ઉમરનો વધુ પડતો ભાગ તો ચાલી ગયો છે, હવે થોડોક જ બાકી રહ્યો છે તેવું સમજીને મન અને અંતરઆત્મા ને કહીએ કે જે તે સમયે તું ચિંતા કરીશ નહિ અને આપણા મનને વ્યાકુળ પણ કરીશું નહીં અને ધીરજ ધારણ કરીશ તો તે જ તારો મિત્ર થઈ તને કામ આવશે. નહીંતર જીવનમાં કરેલી બધી મહેનત એળે જશે.... ભગવાન દુનિયાને જેમ ચલાવે છે, તેની સમજ પડવી મુશ્કેલ છે. પણ આપણે આ સત્યના રસ્તે ચાલવાની આપેલી બુદ્ધિના અણસારે ધીરે ધીરે પગ મુકી ચાલશું , તો તે  આપણને આપણા મુકામે જરૂર પહોચાડી દેશે....

માણસ જો આ ધીરજ રાખે અથવા  ધીરજથી કાર્ય કરવાની વૃતિ ધરાવે તો તે બધાં કામોમાં સફળ થશે જ,. જેમ આંબા ના ઝાડને પાણી પાઈ ધીરજ રાખીવી કે રાહ જોવી પડે છે અને એ રાહ બાર વર્ષ ની હોય છે એટલે તો આપણા ગુજરાતીમાં કહેવત પડી છે કે ઉતાવળે આંબા ના પાકે એટલે જેમ જેમ ઋતુ ચક્ર બદલાય તેમ તેમ કુદરત એની મેળે ઉછેર કરે અને એક સમય એવો આવે કે એ વ્રુક્ષ કે ઝાડ ને ફળ આવે.

કબીરજી ના એક દોહામાં એવું કહે છે કે મનુષ્ય જો હાથીની જેમ ધીરજ ધારણ કરે તો તેને સવામણ જેટલું ખાવાનું મળે. એટલે તેના ભાગ્ય અનુસાર જે મળવાનું છે, તે મળી રહેશે. પણ અધીરો થશે તો કુતરાની જેમ એક ટુકડા ખાતર ઘરે ઘરે ભટકવું પડશે. અર્થાત્ અધીરાઈ કરી કર્મોનું પોટલું બનાવી તેને ભોગવવા ભવોભવ ભટકવું પડશે.


કુદરત કે તત્વ કે ગુરુ ને અનુસરીશું તો તે કાયમ એક વાત પર જ ધ્યાન આપે છે પ્રતિક્ષા અને તિતિક્ષા એટલે કે રાહ જોવી અને ધીરજ ધરવી છતાં આપણે આપણી આ સોનાની જાળ ને પાણીમાં નાખી દઈએ છીએ અને પછી કહીએ છીએ હે ભગવાન બહાર કાઢ...સમય કે સમય જેવું કશું જ નથી પણ આપણે આ ઉભા કરેલા કારણો અને સંસારિક સમસ્યાઓ ને લીધે આ ધૂંધળું કે અસ્પષ્ટ દેખાય છે પણ આપણે જો  લક્ષ્ય ને ધ્યાનમાં રાખીએ તો ધીરજ જ કામ લાગે છે અને એ જ ઉધ્વ્વગતિ કરાવે છે....જય ભગવાન.