Tuesday, October 20, 2015

જીવનના અનુભવ : ધીરજ

જીવનના અનુભવ : ધીરજ

આપણે બધા એ આ દ્રશ્ય જોયું જ હશે જ કે એક ખેડૂત ખેતરમાં બીજ વાવી આવે અને પછી તરત જ જોવા જાય કે ઊગ્યું કે નહિ તો એને નિરાશા જ મળે છે પણ જે જમીનમાં જે બીજ નાખ્યું છે તે બહાર નીકળેલું નથી દેખાયું તોપણ તે નકામું નથી ગયું. એની સૂક્ષ્મ પ્રતિક્રિયા ભૂગર્ભમાં કે આંતરિક અદ્રશ્ય રીતે ચાલ્યા જ કરે છે, એ સંબંધી એને વિશે કશી શંકાકુશંકા ન હોવી જોઈએ કે ન કરવી જોઈએ ,એને બદલે કશું જ નથી થતું એવી નિરાશાત્મક વૃત્તિ કેળવીને વિચારો ના વમળમાં ફસાઈને એ બીજને એ જમીનમાંથી ખોદી કાઢે તો  એના હાથમાં કશું જ ન આવે. બીજ પોતાનું કાર્ય કરીને અંકુરમાં પરિણામે એને માટે ખેડૂતે જરૂરી ધીરજ રાખવી જ જોઈએ......

જિંદગીનો ક્રમ એવો છે કે એમાં ચડાવ-ઉતાર તો આવ્યા જ કરવાના. સફળતા મળે ત્યારે નમ્રતા દાખવીએ અને નિષ્ફળ જઈએ ત્યારે ધીરજપૂર્વક એમાંથી બહાર આવવાના સભાન પ્રયત્નો કરીએ એમા જ આપણા મહામુલા જીવનની સાર્થકતા સમાયેલી છે. ધીરજવંત બુદ્ધિવાળો ત્યારે જ જણાય કે જ્યારે તે સર્વ લોકોના સ્વભાવ અને રીતભાતને સમજી જાય. તે બીજાના અવગુણ પોતાનામાં પેંસવા ન દે અને તે કદી પણ ક્રોધ કરી પોતાનું મન બગાડે નહીં. જોવા જઈશું તો આપણી ઉમરનો વધુ પડતો ભાગ તો ચાલી ગયો છે, હવે થોડોક જ બાકી રહ્યો છે તેવું સમજીને મન અને અંતરઆત્મા ને કહીએ કે જે તે સમયે તું ચિંતા કરીશ નહિ અને આપણા મનને વ્યાકુળ પણ કરીશું નહીં અને ધીરજ ધારણ કરીશ તો તે જ તારો મિત્ર થઈ તને કામ આવશે. નહીંતર જીવનમાં કરેલી બધી મહેનત એળે જશે.... ભગવાન દુનિયાને જેમ ચલાવે છે, તેની સમજ પડવી મુશ્કેલ છે. પણ આપણે આ સત્યના રસ્તે ચાલવાની આપેલી બુદ્ધિના અણસારે ધીરે ધીરે પગ મુકી ચાલશું , તો તે  આપણને આપણા મુકામે જરૂર પહોચાડી દેશે....

માણસ જો આ ધીરજ રાખે અથવા  ધીરજથી કાર્ય કરવાની વૃતિ ધરાવે તો તે બધાં કામોમાં સફળ થશે જ,. જેમ આંબા ના ઝાડને પાણી પાઈ ધીરજ રાખીવી કે રાહ જોવી પડે છે અને એ રાહ બાર વર્ષ ની હોય છે એટલે તો આપણા ગુજરાતીમાં કહેવત પડી છે કે ઉતાવળે આંબા ના પાકે એટલે જેમ જેમ ઋતુ ચક્ર બદલાય તેમ તેમ કુદરત એની મેળે ઉછેર કરે અને એક સમય એવો આવે કે એ વ્રુક્ષ કે ઝાડ ને ફળ આવે.

કબીરજી ના એક દોહામાં એવું કહે છે કે મનુષ્ય જો હાથીની જેમ ધીરજ ધારણ કરે તો તેને સવામણ જેટલું ખાવાનું મળે. એટલે તેના ભાગ્ય અનુસાર જે મળવાનું છે, તે મળી રહેશે. પણ અધીરો થશે તો કુતરાની જેમ એક ટુકડા ખાતર ઘરે ઘરે ભટકવું પડશે. અર્થાત્ અધીરાઈ કરી કર્મોનું પોટલું બનાવી તેને ભોગવવા ભવોભવ ભટકવું પડશે.


કુદરત કે તત્વ કે ગુરુ ને અનુસરીશું તો તે કાયમ એક વાત પર જ ધ્યાન આપે છે પ્રતિક્ષા અને તિતિક્ષા એટલે કે રાહ જોવી અને ધીરજ ધરવી છતાં આપણે આપણી આ સોનાની જાળ ને પાણીમાં નાખી દઈએ છીએ અને પછી કહીએ છીએ હે ભગવાન બહાર કાઢ...સમય કે સમય જેવું કશું જ નથી પણ આપણે આ ઉભા કરેલા કારણો અને સંસારિક સમસ્યાઓ ને લીધે આ ધૂંધળું કે અસ્પષ્ટ દેખાય છે પણ આપણે જો  લક્ષ્ય ને ધ્યાનમાં રાખીએ તો ધીરજ જ કામ લાગે છે અને એ જ ઉધ્વ્વગતિ કરાવે છે....જય ભગવાન.

No comments:

Post a Comment